વિધિ
અમારા લગ્નમાં
ગોરમહારાજે
ઘણી વિધિ કરાવી:
ચોરી, ફેરા, સપ્તપદી,
કન્યાદાન, સિંદૂર.
પણ કોઈ વિધિ ન શીખવી
કે
સાંજે ઑફિસેથી થાકીને આવેલા માણસને
કેવી રીતે ચા આપવી,
કે
તાવમાં તપતી પત્નીના કપાળે
કેટલી વાર
ભીનું પોતું બદલવું.
ચાલીસ વર્ષે
સમજાયું:
પ્રેમ
અગ્નિની સાક્ષીએ નહીં,
ગેસના ચૂલાની
ધીમી આંચે
રોજ રોજ
નિભાવાય છે.
– પરાગ રતનપરા