વ્હાલો
જેબ ખાલી હોય તોયે, મિત્ર વ્હાલો હોય છે,
એક ચા, બે હોઠ, ને વચ્ચે ય પ્યાલો હોય છે.
આફતોમાં સૌ ફરે, ને પીઠ પણ દેખાડતા,
આ જગત ઊંધું ફરે, પણ એ નિરાલો હોય છે.
રાત હો, વરસાદ હો, કે ભરબપોરે તાપ હો,
ફોન જોડ્યો, ત્યાં જ એનો બોલ ‘હાલો!’ હોય છે.
લાભ ને નુકસાન ગણતા સૌ હિસાબી, સૌ ચતુર,
મિત્ર બસ, જે આપણા માટે ય કાલો હોય છે.
આ પરાગે મિત્ર પાસે ના હિસાબો માંડિયા,
મિત્ર હો ત્યાં તો કદી ના કો સવાલો હોય છે.
– પરાગ રતનપરા
#ગઝલ #મિત્રતા #ભાઈબંધ #સાથ #વિશ્વાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #TrueFriend #Loyalty #Trust #ParagRatanpara