← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જ્યાં લીમડો હતો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ત્યાં આજે
પાર્કિંગ છે.

સફેદ પટ્ટા,
નંબર લખેલા ખાના,
ને એક ચોકીદાર
જે કાગળની પાવતી ફાડે છે.

ત્યાં પહેલાં
એક લીમડો હતો.

એની ડાળે
અમારો હીંચકો હતો,
એના થડ પર
અમારાં નામ હતાં,
એની છાંયે
દાદા બપોરે
છાપું વાંચતા
ને ઝોકું ખાતા.

ગઈ કાલે
હું ત્યાં ગાડી પાર્ક કરવા ગયો.

ગાડીમાંથી ઊતર્યો
ને આદતવશ
ઉપર જોયું.

ઉપર
કશું નહોતું —
ખાલી આકાશ.

ચોકીદારે
મારા હાથમાં
પાવતી પકડાવી:
‘વીસ રૂપિયા.’

મેં ચૂકવ્યા,
પણ
છાંયાનું ભાડું
કોણ ચૂકવશે?

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછેવાડાનું ઘરઆગલો લેખ →વ્હાલો