વેરણ વાંસળી
વેરણ થઈ આ વાંસળી રે, મારી નીંદર લઈ ગઈ ચોરી,
જમના કાંઠે ઊભી ઊભી હું તો રહી ગઈ કોરી…
મટકી લઈને નીકળી’તી હું ગોરસ વેચવા ગામ,
વચમાં વાગ્યો સૂર, ઢળી ગઈ મટકી ઠામોઠામ;
લોક કહે ‘આ ગાંડી છોરી’, હું કહું: ‘શ્યામની છોરી’…
વેરણ થઈ આ…
ઘરમાં સાસુ મેણાં મારે, નણદી ખોલે ભેદ,
કાનો તો છે ચિતનો ચોર, એને ક્યાં કોઈનો ખેદ?
સાત તાળાં વાસું, તોયે ખોલી જાય એ ચોરી…
વેરણ થઈ આ…
પરાગ કહે: વાંસળી પોલી, તોયે ભરે છે સૂર,
રાધા જેવું ખાલી થાવું, તો જ મળે એ નૂર;
અહં ઠાલવી, ખાલી થઈને બાંધો પ્રેમની દોરી…
વેરણ થઈ આ…
– પરાગ રતનપરા