← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વીંટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમે આંગળીમાં
વીંટી પહેરાવી.

સૌએ તાળીઓ પાડી,
મેં આંગળી જોઈ —
સોનાનું નાનું કુંડાળું.

પહેલાં તો
એ ઘરેણું લાગ્યું,
પછી ક્યારેક
સાંકળ જેવું,
ક્યારેક
કડી જેવું.

વર્ષો ગયાં.
આજે સાબુથી હાથ ધોતાં
વીંટી ઉતારી,
તો આંગળી પર
એક સફેદ પટ્ટો દેખાયો —
તડકો ન પહોંચ્યો હોય
એવી જગ્યા.

ત્યારે સમજાયું:
વીંટી બંધન નહોતી,
એ તો
એક જગ્યા હતી,
જ્યાં
દુનિયાનો તડકો નહીં,
માત્ર તમે
પહોંચતા હતા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખચાંદામામાઆગલો લેખ →રણ