વેચાઈ ગઈ
ખેતરોમાં બંગલા, ને એ નદી વેચાઈ ગઈ,
ધાન ઢગલે જ્યાં હતું, એ પણ ખળી વેચાઈ ગઈ.
જ્યાં લખોટી ને ભમરડા સાંજ લગ ફરતા હતા,
એ ગલીનો ભાવ બોલાયો, ગલી વેચાઈ ગઈ.
હાથ લાગ્યા રોકડા, ગાડી ય આવી આંગણે,
પણ પિતાના હોઠની મીઠી હસી વેચાઈ ગઈ.
પાદરે ઘેઘૂર વડલો, એ ય ત્રણસો વર્ષનો,
કરવતે કાપ્યો અને આખી સદી વેચાઈ ગઈ.
આ પરાગે બાગ શોધ્યો, ત્યાં ખડો છે મૉલ, ને
રૂપિયે બે, ત્રણ બજારે ત્યાં કળી વેચાઈ ગઈ.
– પરાગ રતનપરા
#ગઝલ #ગામડું #શહેરીકરણ #ખેડૂત #પર્યાવરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #VanishingVillage #Urbanisation #Farmers #LostHeritage #ParagRatanpara