વસંત આવી
આંબે મોર બેઠા ને કોયલ ટહુકી, હરિ! હવે તો આવો,
ફૂલની પાંખડીઓએ પાથર્યો મારગ, હરિ! હવે તો આવો.
કેસૂડે કેસરિયો કીધો ધરતીનો સાળુ,
ભમરાએ ગુંજનમાં ગાયું તારું નામ રૂપાળું;
મેં તો ઉંબરે મૂક્યો દીવો, હરિ! હવે તો આવો…
પાનખરે જે ડાળ ઉઘાડી, એણે ઓઢી લીલપ,
સૂકી નદીએ ઓઢી લીધો ઝરમરિયો સંકલ્પ;
એક હું જ રહી કોરી કોરી, હરિ! હવે તો આવો…
પરાગ કહે: આ વસંત તો છે તારી ચિઠ્ઠી, વ્હાલા,
વાંચી વાંચી થાકી, હવે તો આવ તું પોતે, કાળા!
મારાં ફાગણ ફોગટ જાય, હરિ! હવે તો આવો…
– પરાગ રતનપરા