અમે સવારના ઢોલી
અમે સવારના ઢોલી છીએ.
રાત આખી
ઠંડા ઓટલે ગોદડું ઓઢીને સૂતા,
પણ કૂકડાથી પહેલાં
અમારી સાઇકલની ઘંટડી વાગે —
દૂધની થેલી, છાપાનો ઢગલો,
શાકની લારી, સાવરણાનો સરસર અવાજ.
લોકો કહે છે
સૂરજ ઊગે છે પૂર્વમાં.
ના સાહેબ,
સૂરજ તો અમારા ખભે ચડીને
તમારી બારી સુધી આવે છે.
અમને કોઈ છડીદાર નથી કહેતું,
અમારા પગારમાં
પ્રભાતનો એક કિરણ પણ ગણાતો નથી —
છતાં
અમે ન નીકળીએ
તો આ શહેરની સવાર
પડખું ફેરવીને ફરી ઊંઘી જાય.
– પરાગ રતનપરા