← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વર્ષો પછી મળ્યાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વર્ષો પછી આપણે મળ્યાં, ને કંઈ ન બોલ્યાં,
બસ, આંખોએ જૂનાં પાનાં રે ખોલ્યાં!

તારા વાળમાં ચાંદી, ને મારે કપાળે રેખા,
તો ય ઓળખી લીધાં, જેમ ઓળખે છે દેખા;
હાથ મિલાવ્યા ત્યાં તો કાંપ્યા બે હાથ,
જાણે ઝાલ્યો હોય આખો વીતેલો સાથ;
વાતો તો ઢગલો, પણ હોઠ નહીં ડોલ્યા,
બસ, આંખોએ જૂનાં પાનાં રે ખોલ્યાં!

તેં પૂછ્યું, ‘કેમ છો?’ — મેં કીધું, ‘બસ, ઠીક’,
ને અધવચ્ચે અટકી ગઈ એક જૂની ભીખ;
‘તું ખુશ છે ને?’ એટલું પૂછવું’તું,
ને ઉત્તરમાં આંસુ જ ઊભું રહ્યું’તું;
સ્ટેશનના ઘોંઘાટે અમે મૌન તોળ્યાં,
બસ, આંખોએ જૂનાં પાનાં રે ખોલ્યાં!

પરાગ કહે, મૌનમાં જે વાત થઈ,
એ શબ્દોમાં ક્યાં કદી કહેવાઈ ગઈ?
ગાડી ઊપડી, ને તેં હાથ હલાવ્યો,
મેં જાણે આખો જનમ પાછો વળાવ્યો;
વર્ષોનાં સૂકાં ખેતર ઝરમર બોળ્યાં,
બસ, આંખોએ જૂનાં પાનાં રે ખોલ્યાં!

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆકાશ દર્શનઆગલો લેખ →તેં શું કર્યું?