આકાશ દર્શન
અમેરિકાના એક નાના ટાઉનમાં,
તળાવને કિનારે,
રાતે
હું આકાશ જોવા બેઠો.
એ જ સપ્તર્ષિ,
એ જ ધ્રુવ,
એ જ ચંદ્ર —
જાણે કોઈએ ગામનું આકાશ
ઉપાડીને અહીં લટકાવી દીધું હોય.
પણ કંઈક ખૂટતું હતું.
ઘણી વાર પછી સમજાયું —
અહીં અગાશી નથી,
ખાટલો નથી,
બાજુમાં સૂતેલા દાદા નથી
જે આંગળી ચીંધીને કહે,
‘જો, એ તારો ધ્રુવ —
ભૂલો પડે તો એને પૂછજે.’
હું ઘણું ભૂલો પડ્યો છું, દાદા.
ધ્રુવ તો છે,
પણ હવે
પૂછવાની ભાષા
ભૂલી ગયો છું.
– પરાગ રતનપરા