વર્ષો પછી
વર્ષો પછી
કૉફી હાઉસમાં
આપણે મળ્યાં.
તેં કૉફીમાં ખાંડ નાખી —
બે ચમચી.
મેં કહ્યું: ‘હજી એ જ?’
તું હસી:
‘કેટલુંક બદલાતું નથી.’
પછી
આપણી વચ્ચે ટેબલ પર
વીસ વર્ષ
ચૂપચાપ બેઠાં રહ્યાં,
ઠંડી પડતી કૉફીની જેમ.
જતાં જતાં
તેં બિલ ચૂકવ્યું.
ને મને લાગ્યું,
આ સંબંધનું બિલ
વીસ વર્ષ પહેલાં પણ
તેં જ ચૂકવ્યું હતું.
– પરાગ રતનપરા