← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વરતારો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કીડીઓ ઈંડાં લઈ દોડે, ને મોરલો ટહુકા વેરે,
વરસાદ હવે તો ઢૂંકડો, સાહેલી, આવ્યો ગામને ઘેરે.

ભડલી વાક્ય ભણે છે દાદા, ‘આ વરસે તો સારું’,
ટીટોડીએ ઈંડાં મૂક્યાં ઊંચે, વાત ન રહે અંધારું;
ધૂળની ડમરી નાચે, જાણે પાંદડાં ઝાંઝર પેરે…
કીડીઓ ઈંડાં લઈ દોડે…

ખેડુ બળદને ખોળ ખવડાવે, ઘરમાં ઝૂલે આશા,
બા કોઠીમાં બીજ સંભાળે, બોલે મીઠી ભાષા;
દીકરી ઊભી ફળિયે, પહેલું ટીપું ઝીલવા હેરે…
કીડીઓ ઈંડાં લઈ દોડે…

પરાગ કહે: આ વરતારો તો ધરતીનો છે કાગળ,
આભ લખે ને ધરતી વાંચે, વચ્ચે ઝૂમે વાદળ;
ભીની માટીની મ્હેક ભળી ગઈ, મનડું લીલું લ્હેરે…
કીડીઓ ઈંડાં લઈ દોડે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખએ સાંભરેઆગલો લેખ →હથેળીનો નકશો