← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વરસો પછી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વરસો પછી
સ્ટેશન પર
એ મળી.
વાળમાં થોડી ચાંદી,
આંખમાં એ જ ચમક.

‘કેમ છો?’
‘મજામાં.’
‘તમે?’
‘મજામાં.’

બંને જૂઠું બોલ્યાં,
ને બંનેએ
એકબીજાનું જૂઠું
સાચું માની લીધું —
એ જ તો
જૂનો પ્રેમ.

ગાડી આવી.
એ ચડી ગઈ.

હું પ્લેટફોર્મ પર
ઊભો રહ્યો,
જાણે
ત્રીસ વરસથી
એ જ ગાડી
ચૂકતો આવ્યો હોઉં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપતંગિયુંઆગલો લેખ →પડોશી