વલોણું
ઘમ્મર ઘમ્મર ઘૂમે વલોણું, ઘૂમે મારું મન,
માખણ તરે છાશ ઉપર, ને મલકે મારું તન!
પરોઢિયે ઊઠી ગોરસ ગોરું, ઊઠી ગાય ધોળી,
નેતરું ઝાલી ઝૂમું, જાણે ઝૂમે કોઈ ટોળી;
ઝાંઝરી ઝમકે, ચૂડી ખણકે, ખણકે આખું ભવન…
ઘમ્મર ઘમ્મર…
સાસુ કહે, ‘વહુ, ધીરે ધીરે, માખણ ભાંગી જાશે’,
સસરો બેઠો ઓસરીએ ને મૂછમાં મલકાશે;
નણદી ચાખી લે છાનું, ને ભાગે આંગણ, વન…
ઘમ્મર ઘમ્મર…
પરાગ કહે: આ વલોણું તો જીવતરનું વલોણું,
દુઃખ-સુખ ઘૂમે ત્યારે ઉપર આવે સાચું સોનું;
માખણ સૌને વહેંચી દેજો, છાશ પીજો જીવન…
ઘમ્મર ઘમ્મર…
– પરાગ રતનપરા