← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

યાદને કેમ બાંધું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

યાદને કેમ રે બાંધું, સૈયર, યાદને કેમ રે બાંધું?
બારણું ભીડું તોય પેસે, તિરાડે તિરાડે સાંધું!

ઓઢણીના છેડે ગાંઠ વાળી, ગાંઠમાં સાચવી રાખી,
ગાંઠ ખોલી તો ઊડી ગઈ, જાણે પિંજરની પાંખી;
ચૂલે બેસું તો ધુમાડે ઊભરે, શાક ભેગી રાંધું…
યાદને કેમ રે બાંધું…

કૂવે ગઈ તો પડછાયે આવી, બેડલે આવી બેઠી,
પનઘટની પાળે પગ લટકાવી, વાતો કરે એ મીઠી;
પાછી વળું તો ઝાંપે ઊભી, ઝાંખું ઝાંખું ઝાંખું…
યાદને કેમ રે બાંધું…

પરાગ કહે: યાદ બંધાય નહીં, એને બાંધે ઈ બંધાય,
દોરી છોડો તો ઊડી જાય, ઝાલો તો આંગળી કપાય;
એક જ ઉપાય, સૈયર, એને હૈયામાં ગીત થઈ ગાંઠું…
યાદને કેમ રે બાંધું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવલોણુંઆગલો લેખ →છે બાકી