વહેંચાયું
ચણી દીવાલ, વચ્ચેથી બધું આંગણ વહેંચાયું,
હતા જે એક થાળીમાં, હતું બચપણ, વહેંચાયું.
પિતાની પાઘડી ને લાકડી, ખુરશી બધું સરખું,
છતાં માના સ્તને પીધું, ખરું ધાવણ વહેંચાયું?
કચેરીમાં ગયા કેસો, વકીલો સૌ થયા રાજી,
ઘરેણાં, ખેતરો, ઢોરાં, પછી સગપણ વહેંચાયું.
હવે બે બારણાં છે, ને જુદા ચૂલા, જુદા દીવા,
નિહાળું આયનામાં, તો, જુઓ, દર્પણ વહેંચાયું.
પરાગે બાગમાં જોયું, બધાં ફૂલો હસે સરખાં,
ન સૂરજ, ના હવા બદલી, છતાં ઉપવન વહેંચાયું.
– પરાગ રતનપરા
#ગઝલ #ભાઈ #વારસો #ભાગલા #પરિવાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Brothers #FamilyDivide #Inheritance #BrokenHome #ParagRatanpara