વાયરે
ઓઢણી ઊડી જતાં લજવાય ગોરી વાયરે,
આભમાં ચડતા પતંગે તંગ દોરી વાયરે.
ખેતરે મા, ને છતાં ઝૂલ્યા કરે છે પારણું,
ને પવન ગાતો રહે છે એ જ લોરી વાયરે.
રાતરાણી મ્હેકતી'તી રાતભર મારે ઘરે,
ને કરી ગ્યું કોઈ એની સ્હેજ ચોરી વાયરે.
ગામ આખું ભીંજવીને મેઘ પાછો જાય છે,
બસ ઝરૂખે એક વિરહણ સાવ કોરી વાયરે.
આ પરાગે પાંખ વિણ પણ આભ ખૂંદ્યું રાતભર,
ને બની ગઈ ગીતમાં એ ફાગ હોરી વાયરે.
– પરાગ રતનપરા
#ગઝલ #પવન #વાયરો #ગામડું #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Breeze #WindSongs #VillageLife #Longing #ParagRatanpara