વાયદો
એ ગયા આપી મને, ના ભાળવાનો વાયદો,
ને હૃદયને દઈ ગયા, ના બાળવાનો વાયદો.
એમણે તોડ્યાં ભલે સોગંદ સઘળા, તે છતાં,
મેં નિભાવ્યો આજ લગ મુજ પાળવાનો વાયદો.
અગ્નિ સાખે સાત ફેરા, સાત વચનો, સાત જન્મ,
તોય ભૂલ્યા સાથ જીવન ગાળવાનો વાયદો.
આજ ભીની રાત આખી, શું કરું? એણે જતાં
આંખને આપ્યો હતો, ના ઢાળવાનો વાયદો.
આ ‘પરાગે’ સાચવી છે મ્હેક એની આજ લગ,
જે ગયા દઈ યાદને સંભાળવાનો વાયદો.
– પરાગ રતનપરા
#ગઝલ #વાયદો #વિરહ #વચન #યાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Promises #Separation #BrokenVows #Memories #ParagRatanpara