વાત કર
ચા ઠરી ગઈ, સાંજ ઢળતી, બેસ થોડી વાત કર,
આંખમાં જો તો ખરી, આ ફોન છોડી વાત કર.
સાત ફેરે આપણે લીધાં હતાં વચનો ઘણાં,
ચૂંદડી એ લગ્નની તું આજ ઓઢી વાત કર.
ઑફિસે દિન સાવ ખૂટ્યો, રાત ખૂટી ફોનમાં,
ઊંઘતાં પ્હેલાં ઘડી બે, રાત મોડી, વાત કર.
રીસની જે ગાંઠ બાંધી’તી, હજી ખૂલી નથી,
મૌન ઊભું છે અડીખમ, ગાંઠ તોડી વાત કર.
આ ‘પરાગે’ એક સાદું સૂત્ર શીખ્યું પ્રેમનું:
આંખ ખોલી, દિલ ઉઘાડી, શબ્દ જોડી વાત કર.
– પરાગ રતનપરા
#ગઝલ #દાંપત્ય #સંવાદ #સહજીવન #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #Marriage #Conversation #Togetherness #PutThePhoneDown #ParagRatanpara