← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાત અધૂરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાત અધૂરી મેલીને, સાયબા, ઊભો થા મા,
હજી તો ચાંદો આથમ્યો નથી, ને જા મા, જા મા.

હજી તો મેં સૂડી-સોપારી ધરી નથી હથેળી,
હજી તો મારે કહેવી છે, મારા મનની ઉખેળી;
ઢોલિયે બેસ ઘડીક વધુ, તું ઉતાવળ કર મા…
વાત અધૂરી મેલીને…

ખેતર તારાં ક્યાંય ન જાશે, ના જાશે તારાં ઢોર,
પણ આ રાત ગઈ તો પાછી, ક્યાંથી આવશે, ચોર?
તારલિયા પણ થંભી ગયા છે, તું ય હવે ખસ મા…
વાત અધૂરી મેલીને…

પરાગ કહે: આ જીવતરમાં કેટલી વાતો અધૂરી,
કાલે કહીશું, કાલે કહીશું, ને થઈ ગઈ મજબૂરી;
કહેવું હોય તે આજે કહી દો, કાલનો ભરોસો કર મા…
વાત અધૂરી મેલીને, સાયબા, ઊભો થા મા.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસાચી દિવાળીઆગલો લેખ →ભાઈબંધ