← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વારસો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પપ્પાએ કહ્યું હતું:
‘આવતી દિવાળીએ
તને સાઇકલ લઈ આપીશ.’

એ દિવાળી આવી,
બીજી આવી,
દસમી પણ આવી ને ગઈ.
હું મોટો થઈ ગયો,
સાઇકલ ન આવી.
મેં એમને ક્યારેય માફ ન કર્યા.

આજે મારા દીકરાએ પૂછ્યું:
‘પપ્પા, સાઇકલ ક્યારે?’
ને મારા મોંમાંથી
એ જ શબ્દો નીકળ્યા —
‘આવતી દિવાળીએ.’
અવાજ પણ એ જ,
નજર ચોરવાની રીત પણ એ જ.

ત્યારે સમજાયું,
પપ્પાએ વચન તોડ્યું નહોતું;
એ તો મને વારસામાં આપી ગયા હતા —
અધૂરું, સાચવીને.

ને હવે ખબર પડે છે,
એ રાતે એ
કેમ મોડે સુધી
ઓસરીમાં જાગતા બેસી રહેતા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજિંદગી બારી બહારઆગલો લેખ →ટિફિન ઠરી ગ્યું