← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાંસળીની ધાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મને વીંધી ગઈ વાંસળીની ધાર, મીરાં રે ઘાયલ થઈ,
રાણાના રંગમોલ મેલી, શ્યામને આંગણ ગઈ.

ઝેરનો પ્યાલો મોકલ્યો રાણે, હસીને પીધો અમે,
કરંડિયો ખોલ્યો તો નીકળ્યો હાર, જે શ્યામને ગમે;
લોક કહે, કુળની લાજ ગઈ, હું તો હરિની લાજે રહી…
મને વીંધી ગઈ વાંસળીની ધાર…

ઘૂંઘટ છોડ્યો, ઘૂંઘરું બાંધ્યા, નાચી ગલીએ ગલીએ,
સાધુ-સંગે ભજન ગાયાં, ભીંજી પ્રેમની ઝરીએ;
જેને વાગે એ જ જાણે, આ પીડા મીઠી રહી…
મને વીંધી ગઈ વાંસળીની ધાર…

પરાગ કહે: મીરાંની પીડા ફૂલની ખુશ્બૂ જેવી,
ઘા વાગે ને મ્હેક ઊઠે, એ પ્રીત ભલા કેવી!
મીરાં ગઈ, પણ તંબૂરાના તારે હજી એ રહી…
મને વીંધી ગઈ વાંસળીની ધાર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઈઝી થઈ ગયાઆગલો લેખ →દ્વારકાની રાત