← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાંસળી ક્યાં સંભળાય?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વ્હાલા, તારી વાંસળી હવે ક્યાંથી સંભળાય?
હોર્નના આ ઘોંઘાટે મારું વૃંદાવન ઢંકાય.

સવારે ઊઠું ત્યાં તો એલાર્મ વાગે કાને,
ઘંટડીઓ ફોનની ગાજે, મન દોડે બેભાને;
ગાયોના ગળાની ઘૂઘરી સપનામાં જ રહી જાય…
વ્હાલા, તારી…

ટ્રાફિકના આ જમનાજીમાં તરતાં થાકી જાઉં,
કદંબ તો કપાઈ ગયો, ક્યાં છાંયે બેસી ગાઉં?
મોરપીંછ તો મળે છે હવે મૉલમાં વેચાય…
વ્હાલા, તારી…

પરાગ કહે: પણ રાતે જ્યારે શહેર થાકીને સૂએ,
ભીતરના કોઈ ખૂણેથી એક સૂર ઝીણો રુએ;
કાન નહીં, તને સાંભળવા હૈયું જોઈએ, હાય…
વ્હાલા, તારી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકોણ છું?આગલો લેખ →દુલારી ગઝલ