← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાંસળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દ્વારકાના સોનાના મહેલમાં
મધરાતે
કૃષ્ણ
ઓરડે ઓરડે
કશુંક શોધે છે.

રુક્મિણીએ પૂછ્યું:
‘આટલી રાતે
શું શોધો છો, નાથ?’

‘મારી વાંસળી.’

‘એ તો ગોકુળમાં જ રહી ગઈ —
તમે જ તો કહેતા હતા.’

કૃષ્ણ હસ્યા,
ને બારી બહાર
જમના વિનાના દરિયા સામે જોઈ
બોલ્યા:

‘વાંસળી નહીં, રુક્મિણી,
એનાં છિદ્રોમાં
જે શ્વાસ
મૂકીને આવ્યો છું,
એ.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખખબર ક્યાં છે?આગલો લેખ →દશેરા