વાંસલડી વેરણ
વાંસલડી વેરણ થઈ મારી, નીંદર લઈ ગઈ રાતે,
શ્યામ, તમે તો સૂરમાં આવો, કેમ ન આવો સાથે?
જમના કાંઠે બેડું ભરવા ગઈ'તી હું મધરાતે,
પાણી ભૂલી, ભાન ભૂલી, ને ભૂલી ગઈ સૌ નાતે;
ખાલી બેડું, ભીનું હૈયું, લઈને આવી પ્રભાતે…
વાંસલડી…
ગોપી બોલી: ‘રાધા, તું તો ઘેલી થઈ ગઈ આજે’,
મેં કીધું: ‘ઘેલું તો જગ, જે ભૂલ્યું શ્યામની વાતે’;
મોરપીંછ ઓશીકે રાખી, સૂતી હું તારે સાથે…
વાંસલડી…
પરાગ કહે: આ વાંસલડી તો વાંસ હતો સાવ પોલો,
શ્યામે શ્વાસ ભર્યા ને જાગ્યો આખો ગોકુળ ભોળો;
હૈયું પોલું કર, રાધા, તો શ્યામ વસે દિનરાતે…
વાંસલડી…
– પરાગ રતનપરા