વાલમ વાદળ
વાલમ, તું તો વાદળ થઈને ગાજે,
હું તો સૂકી ધરતી, તોયે તું ક્યાં વરસે આજે?
ઓસરીએ ઊભી હું તો આભ નિહાળું રોજ,
વીજળી ઝબકે ત્યાં તો માનું: આવી તારી ફોજ;
પણ છાંટો એકે ના પડે, ને મારું આંગણ લાજે,
વાલમ, તું તો…
ખેતરમાં બી વાવ્યાં’તાં મેં, ને આંખોમાં આસ,
ફણગો ફૂટે એ પહેલાં તો સુકાઈ ગયું ઘાસ;
કોરી ધરતી ચીરા પાડી બોલે, તો યે કોણ નિવાજે?
વાલમ, તું તો…
પરાગ કહે: આ ગાજવું કેવું, જે ન ભીંજવે અંગ?
વરસે તો જ વાદળ સાચું, બાકી ખાલી ઢંગ;
એક ટીપે પણ આવ, હું આખી લીલી થઈશ તારે કાજે,
વાલમ, તું તો…
– પરાગ રતનપરા