વાઈફાઈ વિના નહીં ફાવે
વાઈફાઈ વિના નહીં ફાવે, ભાઈ, વાઈફાઈ વિના નહીં ફાવે,
ખાવાનું ભલે મોડું આવે, નેટ જો મોડું ન આવે!
સવારે ઊઠી ભગવાનને નહીં, પહેલાં ફોનને ભાળું,
ચાર્જર જો ના મળે તો આખું ઘર ઊંધું વાળું;
દાદીમા કહે ‘માળા ફેરવ’, હું તો સ્ક્રોલ કરું ભાવે…
વાઈફાઈ વિના નહીં ફાવે…
પિકનિક ગયા પહાડે, ત્યાં તો નેટવર્ક ગયું ખોવાઈ,
ઝરણાં, ઝાડ ને પંખી જોઈ, આંખો ગઈ મૂંઝાઈ;
દીકરો પૂછે: ‘પપ્પા, આ આકાશ કેમ લોડ ન થાવે?’
વાઈફાઈ વિના નહીં ફાવે…
પરાગ કહે: નેટ ગયું ત્યારે, મેં જોયું માડીનું મુખ,
વરસો પછી વાતો કરી, ને મળ્યું અદકેરું સુખ;
રાઉટર બંધ કરો કદી કદી, તો જીવતર પાછું આવે…
વાઈફાઈ વિના નહીં ફાવે…
– પરાગ રતનપરા