વાદળી
મારું ઠેકાણું ના પૂછજો, હું તો વાદળી રે,
આજે અહીંયાં વરસું, કાલે ક્યાંક બીજે ચાલી રે.
તમે ડુંગરે બાંધો ઝૂંપડી, તમે નદીએ બાંધો ઘાટ,
મારે તો આખું આભ આંગણું, વાયરો મારી વાટ;
તમે માગો સરનામું, હું તો હસી પડું ખાલી રે…
મારું ઠેકાણું…
કોઈ કહે ‘આ બહુ છકેલી’, કોઈ કહે ‘આ ઘેલી’,
મેં તો ખેતર ખેતર જઈને ભરી દીધી છે હેલી;
તરસ્યાં ઝાડવાંના હોઠે મેં તો પાણીની પ્યાલી રે…
મારું ઠેકાણું…
પરાગ કહે: આ વાદળીને બાંધવા ના જાજો,
બંધાશે તો ભાર બનીને રોશે આખી રાતો;
છૂટી રહેશે તો જ વરસશે મીઠી ને મતવાલી રે…
મારું ઠેકાણું…
– પરાગ રતનપરા