← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાદળને નોટિસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છેવટે
ખેડૂત ગોવિંદે
વાદળને નોટિસ મોકલી:

‘આપ શ્રી
છેલ્લા ત્રણ મહિનાથી
અમારા ગામ પરથી
ગડગડાટ કરતા પસાર થાવ છો,
વીજળીના ફોટા પડાવો છો,
પણ એક ટીપું
જમા કરાવતા નથી.

આપની સામે
ખાતર, બિયારણ ને
બૅન્કના વ્યાજની
ત્રણ ફાઈલો ખૂલી ગઈ છે.

સાત દિવસમાં
ખુલાસો નહીં કરો તો…’

આગળ શું લખવું,
એ ગોવિંદને સૂઝ્યું નહીં.

એણે કાગળ વાળ્યો,
આકાશ સામે જોયું,
ને પહેલી વાર
પોતાની આંખમાંથી
ચોમાસું ટપકતું જોયું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅફવાઆગલો લેખ →કિશોરી