વાદળનાં ધણ
આભે ચરવા નીકળ્યાં રે કાળાં વાદળ કેરાં ધણ,
કોણ ગોવાળો હાંકતો હશે? પૂછે સૂકું રણ.
ઘૂઘરિયાળી વીજ બાંધી છે ગળે ગળે રણકાર,
ગાજે ત્યારે ગામ આખું ઝબકી જાગે બાર;
છાંટા વેરે ખેતર ખેતર જાણે દૂધનાં કણ…
કોણ ગોવાળો હાંકતો હશે?
ડુંગર ઉપર બેસી પીએ ઝરણાં કેરાં નીર,
ઘડીક થોભે ખેડુની ઝૂંપડી ઉપર ધીર;
તરસી ધરતી ખોળો પાથરે, આવો મારે આંગણ…
કોણ ગોવાળો હાંકતો હશે?
પરાગ કહે: આ ધણનો ધણી નહીં કોઈ મારો-તારો,
ગોકુળ જેવું આભ, ને ગોવાળ સાંવરિયો પ્યારો;
વાંસળી વાગે વીજની, ને ઝરમર ઝરમર શ્રાવણ…
કોણ ગોવાળો હાંકતો હશે? પૂછે સૂકું રણ.
– પરાગ રતનપરા