ત્યારે ગઝલ
પીડ ભીતર ખૂબ જ્યારે ઊછળી, ત્યારે ગઝલ,
ને બરફ જેવી ઉદાસી ઓગળી, ત્યારે ગઝલ.
રાત આખી જાગતો'તો હું ઝરૂખે એકલો,
દૂરથી મેં વાંસળી જ્યાં સાંભળી, ત્યારે ગઝલ.
જિંદગીભર કાળમીંઢી'તી પિતાની આંખ, એ
દીકરીની એ વિદાયે પીગળી, ત્યારે ગઝલ.
ગાય પાછી ઘર વળી, ને ધૂળ ઊડી આભમાં,
સાંજ પાદર પર બધે જ્યાં આથમી, ત્યારે ગઝલ.
આ પરાગે ક્યાં લખી? એ તો સ્વયં ભીતર થકી
મ્હેક થઈને આ હવામાં નીકળી, ત્યારે ગઝલ.
– પરાગ રતનપરા
#ગઝલ #ગઝલસર્જન #પીડા #પિતા #સંધ્યા #પરાગરતનપરા
#GujaratiGhazal #BirthOfAGhazal #Pain #FatherAndDaughter #Dusk #ParagRatanpara