તુંબડું
સાચનું તુંબડું બાંધી લે મનવા, દરિયો તરી જવાશે,
જૂઠના સોને લાદેલું વહાણ તો મધદરિયે ડૂબી જાશે.
હલકું તુંબડું, ખાલી ખાલી, જગ હસે જોઈ જોઈ,
‘આમાં શું છે?’ પૂછે સૌ, ને ઠેકડી કરે કોઈ;
પણ તોફાની મોજે મોજે એ જ ઉપર લહેરાશે…
સાચનું તુંબડું…
સોનું, ચાંદી, હીરા, મોતી, ભારે ભારે ગાંસડી,
લોભે ભર્યાં વહાણ ચાલ્યાં, ઊંચી ઊંચી કાંસડી;
વાવાઝોડું આવ્યું ત્યારે ભાર જ ભારે થાશે…
સાચનું તુંબડું…
પરાગ કહે: ખાલી થાવું એ જ તરવાની કળા,
ભરેલાં તો ડૂબ્યાં, ને હળવાં પામ્યાં કિનારા ભલા;
મન હળવું રાખીને ચાલો, ભવસાગર પણ ગાશે…
સાચનું તુંબડું…
– પરાગ રતનપરા