તું શીખવે
ડાળ ફળથી જો લચે તો ઝૂકતાં તું શીખવે,
પાનખરમાં પાંદડાંને મૂકતાં તું શીખવે.
વાટ સળગે, તેલ ખૂટે, તોય અજવાળું રહે,
દુઃખના અંધારને પણ ફૂંકતાં તું શીખવે.
‘સ્વચ્છ રાખો’ ભીંત પર મોટું લખી રંગે ઘણું,
એ જ ભીંતે પાન ચાવી થૂંકતાં તું શીખવે!
કોયલે ક્યાં કોઈ ગુરુની પાઠશાળામાં ભણી?
મ્હોર ઊગે ત્યાં તરત તો કૂકતાં તું શીખવે.
આ પરાગે જિંદગી, તારી નિશાળે પાઠ આ —
તક મળે તો મ્હેકવું, ના ચૂકતાં તું શીખવે.
– પરાગ રતનપરા
#ગઝલ #જિંદગી #જીવનનીશાળા #નમ્રતા #પ્રકૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeLessons #Humility #LettingGo #NatureTeaches #ParagRatanpara