તું, સખા
શબ્દ મારા, હોઠ મારા, સૂર-વાણી તું, સખા,
પ્યાસ મારી, હાથ મારા, ઝરણ-પાણી તું, સખા.
કાગળો મારા, કલમ મારી, ભલે મેં તો લખી,
અક્ષરે અક્ષર લખાતી, એ કહાણી તું, સખા.
આંખ ઢાંકી, રાતદિન હું ગોળ ગોળે ઘૂમતો,
બળદ હું, પણ તેલ કાઢે, એ જ ઘાણી તું, સખા.
ગામ ગામે, ઘાટ ઘાટે, ગ્રંથ ગ્રંથે શોધતો,
આખરે માની નજરમાં જે નિશાની — તું, સખા.
બાગમાં સૌ ફૂલ મારાં, ને પરાગે ગંધ પણ,
જે કળીને ફૂલ કરતી, એ જવાની તું, સખા.
– પરાગ રતનપરા
#ગઝલ #અધ્યાત્મ #ઈશ્વર #અદ્વૈત #શોધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Spiritual #DivineWithin #NonDuality #Seeker #ParagRatanpara