તું નથી, વાલમ
તું નથી, વાલમ, ને ઘરનો ખૂણે ખૂણો ખાલી બોલે,
જાણે ઘરનો દીવો આજે ધીમો ધીમો ડોલે…
ચૂલો સળગે તોય ન આવે રોટલાની સોડમ,
પાણિયારે બેડું ખાલી, ખાલી મનનું ઓડમ;
હીંચકો ઝૂલે, પણ એની સાંકળ કંઈ ના બોલે,
તારા વિના આ ઘર તો જાણે છાંયો થઈને ડોલે…
તું નથી, વાલમ…
સાંજ પડે ને ઝાંપે ઊભી રાહ જોઉં હું રોજ,
ગાયો પાછી આવે, ધણ આવે, ના આવે તું, ખોજ;
ઘૂઘરિયાળી બળદની જોડી ઝાંપે આવી અટકે,
ને મારું હૈયું, વાલમ, પાંપણ વચ્ચે લટકે…
તું નથી, વાલમ…
પરાગ કહે: અભાવ પણ ક્યારેક ભરી દે ઘર,
જેટલો તું દૂર, એટલો ભીતર વધતો અવસર;
આવજે વહેલો, નહીં તો આ ભીંતો પણ પૂછશે,
‘તારો સાજન ક્યાં?’ — ને મારું કાજળ ઝટ લૂછશે…
તું નથી, વાલમ…
– પરાગ રતનપરા