તું ના આવે
મેઘધનુષ ઊગ્યું આંગણે, ને મોર ટહુક્યા વાડે,
બધું ય આવ્યું, પણ તું ના આવે, એ કેમ ચાલે, સાજન?
કોયલ આવી કેરી લઈને, ભમરો લાવ્યો ગુંજન,
આષાઢી વાદળ લઈ આવ્યાં ભીનું ભીનું સ્પંદન;
આખું ગામ ઉજાણી માણે, હું એકલી ભીંજું ગાલે…
એ કેમ ચાલે, સાજન?
હાથમાં મેંદી મૂકી રાખી, એ ય હવે કરમાઈ,
રાહ જોઈને આંખો મારી ઝાંપા સુધી ધાઈ;
પવન આવે ને કમાડ ખખડે, હૈયું મારું હાલે…
એ કેમ ચાલે, સાજન?
પરાગ કહે: એ ઋતુઓ સઘળી એમ જ પાછી જાશે,
જે આંગણમાં સાજન નહીં, ત્યાં વસંત ક્યાંથી થાશે?
તું આવે તો સૂકું ઝાડ પણ મ્હોરી ઊઠે ડાળે…
એ કેમ ચાલે, સાજન?
– પરાગ રતનપરા