તું ન હોત તો
તું ન હોત તો
કદાચ
હું પણ
સાચો સમય બતાવતી
ઘડિયાળ હોત —
ચોક્કસ, ઠંડી,
ને કોઈની રાહ જોયા વગર
ટક ટક ચાલતી.
તું ન હોત તો
વરસાદ
ફક્ત પાણી હોત,
ને બારી
ફક્ત ભીંતમાં પડેલું કાણું.
તું ન હોત તો
મારું નામ
કોઈ દસ્તાવેજમાં
સાચી જોડણીમાં લખેલું પડ્યું હોત,
પણ કોઈ એને
ધીમેથી, લંબાવીને
બોલાવતું ન હોત.
સાંભળ —
તું છે,
એટલે મારી ઘડિયાળ
હંમેશાં
પાંચ મિનિટ મોડી ચાલે છે.
– પરાગ રતનપરા