તું જ તારી ઢાલ
દીકરી, તું જ તારી ઢાલ થજે, ને તું જ તારી તલવાર,
હવે કોઈ કાનો નહીં આવે ચીર પૂરવા આ વાર.
સભા તો આજે ય બેઠી છે, મોં ફેરવીને મૂંગી,
આંખો નીચી, હાથ બાંધેલા, હિંમત સૌની ઊંઘી;
ધર્મરાજ તો જુગાર રમે છે મોબાઇલમાં રાતદિ,
દુઃશાસન ફરે ગલીએ ગલીએ, થઈ બેઠો સરદાર…
દીકરી, તું જ તારી…
ભણજે, ગણજે, દોડજે, ને શીખજે મુક્કો મારતાં,
આંખમાં આંસુ નહીં, અંગારા રાખજે ધારતાં;
મેંદી મૂકજે હાથે, પણ એ હાથ નબળા ન હોય,
ચૂડીના રણકારમાં ભળે હિંમતનો રણકાર…
દીકરી, તું જ તારી…
પરાગ કહે: તું જ દુર્ગા, તું જ સીતા, તું જ રાધા,
તારે દયા નહીં, હક જોઈએ, ને ન કોઈ ખોટા વાદા;
ઘરથી શેરી, શેરીથી દેશ, તું ચાલજે માથું ઊંચું,
તારી સાથે ઊભો રહેશે આખો આ સંસાર…
દીકરી, તું જ તારી…
– પરાગ રતનપરા