તું આવ્યો
અમારે આંગણે આજે બનીને ગગન તું આવ્યો,
અધૂરા બાગમાં મ્હેકી, સજીને ચમન તું આવ્યો.
ઘણી બાધા, ઘણાં વ્રત ને ઘણાં મંદિર ફરી થાકી,
નિભાવ્યું કો'ક દેવે જે, બની એ વચન તું આવ્યો.
હજી તો આંખ ખોલી ના, છતાં અજવાસ પથરાયો,
હતું ઘર આંધળું, એનું બનીને નયન તું આવ્યો.
હવે પરદેશ તારો દેશ, ને ઘર દૂરનું સપનું,
છતાં રોજે અમારી ઓસરીમાં પવન તું આવ્યો.
પરાગે આજ લગ જે શબ્દ શોધ્યા'તા ગઝલ માટે,
ખબર ત્યારે પડી, જ્યારે બનીને કવન તું આવ્યો.
– પરાગ રતનપરા
#ગઝલ #સંતાન #દીકરો #માતાપિતા #જન્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #NewbornJoy #ParentsLove #ChildIsLight #Diaspora #ParagRatanpara