ફાઈલ
સરકારી કચેરીના
ત્રીજા માળે,
ચોથા કબાટના
પાંચમા ખાનામાં
એક ફાઈલ પડી છે.
એમાં એક ખેડૂતનું સપનું છે —
કૂવો ખોદવાની મંજૂરીનું.
ફાઈલ પર ધૂળ જામી છે,
ધૂળ પર ઉધઈએ નકશો દોર્યો છે,
અને નકશામાં
એક કૂવો પણ છે, બરાબર.
ખેડૂત તો ગયા ચોમાસે
પોતાના જ ખેતરમાં
તરસ્યો સૂઈ ગયો.
ફાઈલ હજી જાગે છે —
આવતા સોમવારે
એના પર ‘તાકીદ’નો
લાલ સિક્કો લાગવાનો છે.
– પરાગ રતનપરા