તિરંગો
ફરફર ફરકે તિરંગો મારો, ગગન ગજાવે ગીત,
માટીની મ્હેક ને લોહીની લાલી, એનું નામ જ પ્રીત.
કેસરિયો રંગ શૌર્યનો, જાણે સરહદ પરનો જવાન,
બરફ ઓઢીને જાગે એ, ત્યાં નિરાંતે ઊંઘે હિંદુસ્તાન;
માની આંખે આંસુ, તોયે મુખ પર ગૌરવ-સ્મિત…
ફરફર ફરકે તિરંગો મારો…
ધોળો રંગ છે સત્ય-અહિંસા, રેંટિયાનો તાર,
વચ્ચે ચક્ર ફરે ને કહેતું: ‘ચાલો, ન માનો હાર’;
સમય સદા ચાલે, એ રીતે ચાલે દેશની રીત…
ફરફર ફરકે તિરંગો મારો…
લીલો રંગ છે ખેતર-ખેડૂ, ધરતીનો શણગાર,
પરસેવે જે અન્ન ઉગાડે, એ સાચો રખવાળ;
ભૂખ્યું કોઈ ના સૂએ, એ જ સૌથી મોટી જીત…
ફરફર ફરકે તિરંગો મારો…
પરાગ કહે: ઝંડો ઊંચો કરવો, એ તો સહેલી વાત,
ઊંચું રાખો ચારિત્ર્ય તો ઊંચી રહેશે આખી જાત;
શેરીનો ને મનનો કચરો, બેઉ કરો સૌ દૂર —
ત્યારે સાચું ગાજે ગીત…
ફરફર ફરકે તિરંગો મારો…
– પરાગ રતનપરા