ઠોઠ નિશાળિયું
હૈયું તો ઠોઠ નિશાળિયું, એને ગણિત ન આવે,
એક ને એક અગિયાર કરે, ને સૌને પાસ બતાવે!
મગજ કહે: ‘એ છોકરી સાથે બેસે ના કંઈ મેળ,’
હૈયું બોલ્યું: ‘ચાલ ને, રમીએ પ્રેમ નામનો ખેલ’;
મગજ માંડે ભાગાકાર, ને હૈયું ગુણાકાર લાવે…
હૈયું તો ઠોઠ નિશાળિયું…
દેવું કરીને ભેટ લીધી, ને બૅન્કે મોકલ્યો કાગળ,
મગજ રડે છે હપ્તા ગણતાં, હૈયું નાચે આગળ;
એક ગુલાબી સ્મિતના બદલે આખો પગાર લૂંટાવે…
હૈયું તો ઠોઠ નિશાળિયું…
પરાગ કહે: આ ઠોઠ હૈયું જ જીવતરનું ખરું ભણતર,
ડાહ્યા માણસ ભેગું કરે, ને હૈયું વહેંચે અત્તર;
નાપાસ થઈને પણ જે હસે, એ જ જીવન ગાવે…
હૈયું તો ઠોઠ નિશાળિયું…
– પરાગ રતનપરા