← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થોરનું ફૂલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રણમાં ઊભો થોર એકલો, કાંટા કાંટા દેહ,
તોય એને માથે ખીલ્યું ફૂલ, ગુલાબી નેહ.

લૂ વાય ને રેતી ઊડે, ઊંટ ચાલે ધીરે,
પાણી પાણી ઝંખે ધરતી, કોઈ ન આવે તીરે;
થોર કહે: મેં ભીતર સાચવ્યો, ટીપે ટીપે મેહ…
તોય એને માથે…

કોઈ કહે: આ કાંટાળો તો કામ શું આવે, ભાઈ?
વાડે વાવો, ઢોર ન આવે, એ જ એની કમાઈ;
પણ પતંગિયું આવી બેઠું, જાણે આવ્યું ગેહ…
તોય એને માથે…

પરાગ કહે: જે સૂકા રણમાં પણ ખીલવાનું જાણે,
એની મ્હેક ભલે ને ઓછી, ઈશ્વર એને માણે;
કાંટા વચ્ચે ખીલવું, એ જ જીવતરનો સ્નેહ…
તોય એને માથે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખફાગણ એકલોઆગલો લેખ →તું જ તું