થઈ જશે
આજ જે દાણો, ધરા પર એક ખેતી થઈ જશે,
ખેડુનું ટીપું પસીનાનું ય મોતી થઈ જશે.
ગર્વ શાનો? દેહ તો છે કાચની ઝીણી નળી,
અંતમાં એ ખોળિયું પણ સાવ માટી થઈ જશે.
ગર્વથી ઊભો હિમાલય આભને આંબે ભલે,
નીરના સ્પર્શે ઘસાતો એક રેતી થઈ જશે.
રાખ મારી વેરજો તું ખેતરે, ઓ દીકરા,
દેહ મારો પણ પછી તો આ જ ધરતી થઈ જશે.
ડાળ સૂકી થાય તોયે મ્હેક બચશે, ઓ પરાગ,
કોઈ પ્રેમીના હૃદયમાં પ્રેમ-પાતી થઈ જશે.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવનચક્ર #માટી #ખેડૂત #નશ્વરતા #પરાગરતનપરા
#GujaratiGhazal #CycleOfLife #BackToEarth #Farmer #Impermanence #ParagRatanpara