ભીંત
ભીંત બોલી નહીં કશું, બસ સાંભળતી રહી રે,
ઘરની સઘળી વાતો એ તો મૂંગી ગળતી રહી રે.
નવી વહુનાં ઝાંઝર, ને સાસુનાં મેણાં-ટોણાં,
બાળકનાં પહેલાં પગલાં, ને ઘરડાંનાં રોણાં;
કંકુ-થાપા સાચવીને એ ચૂપ ઝળહળતી રહી રે.
ભીંત બોલી નહીં…
ભાઈઓ જ્યારે ઝઘડ્યા, ને ઘરના ભાગ પડ્યા,
વચ્ચે નવી ભીંત ચણાઈ, બે ચૂલા અળગા થયા;
જૂની ભીંત એ જોઈ જોઈને ભીતર તરડાતી રહી રે.
ભીંત બોલી નહીં…
પરાગ કહે: ભીંતોને પણ કાન હોય છે, ભાઈ,
પણ હૈયું ય હોય છે એને, એ ક્યાં કોઈને દેખાઈ?
ઘર પડ્યું ત્યારે સૌથી છેલ્લે ભીંત ઢળતી રહી રે.
ભીંત બોલી નહીં…
– પરાગ રતનપરા