થઈ જજે
જ્યાં સુધી લીલો રહે, તું કોઈ છાંયો થઈ જજે,
ને ખરે ત્યારે ય પંખી કાજ માળો થઈ જજે.
તાપ, ઝાપટ ને ઉઝરડા, મેં બધું વેઠ્યું ખરું,
તું નિસાસો ના બને, બસ એક ટહુકો થઈ જજે.
કોઈ નાનું બાળ તારી ડાળ પર આવે કદી,
તો જરા નીચો નમીને સાવ ઝૂલો થઈ જજે.
પાનખર આવે ભલે, ડરજે નહીં તું સ્હેજ પણ,
કોઈ ઠરતા ઝૂંપડે તું તાપ-દીવો થઈ જજે.
આ પરાગે સાંભળી’તી પાનની વાતો બધી,
કોઈ ભૂલેલા પથિકનો એક રસ્તો થઈ જજે.
– પરાગ રતનપરા
#ગઝલ #પાંદડું #કૂંપળ #અનુભવ #પેઢી #પરાગરતનપરા
#GujaratiGhazal #OldLeafYoungBud #Wisdom #Generations #SelflessLiving #ParagRatanpara