થાકેલું
ઢળી છે સાંજ, ને ઘરમાં નમેલું ગગન થાકેલું,
ઘણે વરસે ગયો ગામે, નિહાળ્યું વતન થાકેલું.
હિસાબો, ફાઈલો, મીટિંગ, ઉઘરાણી, ઉચાટો સૌ,
અરીસે રાતના જોઉં, ઢળેલું નયન થાકેલું.
ઉઠાવી ઈંટ ને પથ્થર, મિનારા જે ચણે ઊંચા,
પડેલું બાંકડે એનું ઘસાયું બદન થાકેલું.
જુવાનીમાં ઉગાડ્યું'તું, હવે આધેડ ઉંમરમાં
ખભા પર લઈ ફરું છું હું, અધૂરું સપન થાકેલું.
પરાગે સાંજના ધીમે, સુગંધી ઓઢણી ઓઢી,
સુવાડ્યું ગોદમાં મારું લખેલું કવન થાકેલું.
– પરાગ રતનપરા
#ગઝલ #થાક #સાંજ #મધ્યમવર્ગ #અધૂરાંસપનાં #પરાગરતનપરા
#GujaratiGhazal #Weariness #Evening #MiddleClassLife #UnfinishedDreams #ParagRatanpara