થાકનું ગીત
હવે થાક્યો રે, હવે થાક્યો, મેં તો ભારો ઉપાડ્યો મણનો,
ખભે બેઠો છે સૂરજ ને માથે બોજ આખા જીવતરનો.
સવારે ટિફિન, સાંજે બિલ ને રાતે હપ્તાની વાતો,
વચમાં ક્યાંય મળે ના મુજને મારો પોતાનો નાતો;
પાંખો હતી તો ઊડવું હતું, હવે થયો હું ધણનો…
હવે થાક્યો રે…
બાપુની લાકડી હાથે લીધી, માની ચિંતા લીધી,
છોકરાંની ફી, ઘરનું ભાડું, ચાદર ટૂંકી કીધી;
અરીસે જોઉં તો ઊભો છે પડછાયો કો' અજાણ્યાનો…
હવે થાક્યો રે…
પરાગ કહે: આ ભાર નથી, આ પ્રેમનું પોટલું ભારે,
ઉતારું તો ખાલી થાઉં, રાખું તો થાક વધારે;
એ જ ખભો તો આશરો છે કોઈ થાકેલા જણનો…
હવે થાક્યો રે…
– પરાગ રતનપરા