ખાબોચિયામાં ઈશ્વર
વરસાદ પછી
ગલીના ખાબોચિયામાં
એક છોકરો કૂદે છે —
છપાક!
છાંટા ઊડે છે
દુકાનના પાટિયે,
સાઇકલના પૈડે,
પસાર થતા સાહેબના ઇસ્ત્રીબંધ પાટલૂને.
સાહેબ ભવાં ચડાવે છે,
મા બૂમ પાડે છે,
છોકરો ફરી કૂદે છે —
છપાક!
ખાબોચિયામાં
આખું આકાશ હલી ઊઠે છે,
વાદળ તૂટીને ફરી જોડાય છે,
સૂરજ ખડખડાટ હસે છે.
મેં જીવનભર
મંદિરોમાં ઈશ્વરને શોધ્યો;
એ તો અહીં હતો —
ગંદા પાણીમાં,
એક બાળકના પગ નીચે,
રમવા માટે
કોઈ કૂદે એની રાહ જોતો.
– પરાગ રતનપરા