ટેરવાંનો સ્પર્શ
ટેરવે ટેરવે દીવા બળે, સાયબા, તમે અડક્યા ને રાત ઝળહળી,
આંગળીએ આંગળીએ કૂંપળ ફૂટી, મારી હથેળી થઈ ગઈ કમળકળી.
વાળમાં ફેરવ્યો હાથ તમે ને ઝરણું વહ્યું રે મારી પીઠે,
બોલ્યા વિના જ બધું કહી દીધું, એક જ સ્પર્શની મીઠે;
અક્ષર નહીં, આ તો અડકણની ભાષા, કોઈ ન શકે રે કળી…
ટેરવે ટેરવે…
ચૂડીએ ચૂડીએ રણકાર જાગ્યો, ઝાંઝરે જાગ્યો તાલ,
ગાલે અડ્યાં તમે એવું કે આખું ગામ થયું રે ગુલાલ;
પાંપણ ઢળી ને હૈયું ઊછળ્યું, જાણે નદી મળી દરિયે ભળી…
ટેરવે ટેરવે…
પરાગ કહે: આ સ્પર્શ નથી, આ તો પ્રાણનો પહેલો પાઠ,
દેહ તો કેવળ દીવડો, એમાં પ્રેમની જલતી વાટ;
વરસો વીતે, ચામડી ઢીલી, તોય એ હૂંફ ન ઢળી…
ટેરવે ટેરવે…
– પરાગ રતનપરા